પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા.2.79 કરોડની ઉચાપતના કૌભાંડમાં ગોધરા બી ડીવીઝન પોલીસે તત્કાલિન હિસાબી અધિકારી સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે રાઠોડે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે કુલ છ વ્યક્તિઓ સામે રૂા.2.79 કરોડની ઉચાપત અંગે ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે મુખ્ય બે આરોપી તત્કાલીન હિસાબી અધિકારી પુજન રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલની ધરપકડ કરી છે. આ બંને સામે તત્કાલીન સરકારી ધારા ધોરણ મુજબની ખરીદી પ્રક્રીયા નહી કરી બનાવટી બીલો બનાવી ઉક્ત બીલોને સાચા તરીકે ઉપયોગ કરી જેના આધારે સરકારની ગ્રાંટ માંથી બીલો મુજબના નાણાં એજન્સીઓને ચુકવવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત તમામ એજન્સીઓએ સાધનો નહી પુરા પાડી, સરકારી નાણાં કુલ રૂા.2,79,59,816ની ઉચાપત કરી હોવાનો આરોપ છે. પોલીસે બંનેની તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી.










