વરસાદની ઋતુમાં ગોધરા શહેરના માર્ગો, બજાર વિસ્તારો અને સોસાયટીઓના રસ્તાઓ પર મૂંગા પશુઓ દિવસ-રાત અડ્ડો જમાવીને બેસી રહે છે. જેના કારણે શહેરીજનોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સાબનો કરવો પડી રહ્યો છે.

ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. રાત્રીના સમયે રોડ પર બેસેલા પશુઓના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહનો દ્વારા મુસાફરી કરતા નાગરિકોમાં પણ ભયનો માહોલ છે. પશુપાલકો પોતાના ઢોરને આ રીતે જાહેર માર્ગો ઉપર છૂટા મૂકી દેતાં હોઈ ભૂતકાળમાં નગર પાલિકા દ્વારા પશુઓને પકડી પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ તે બાદ પશુપાલકો થોડાક સમય માટે પોતાના ઢોર ઢાંખરને ગમાણમાં બાંધી રાખતાં હતાં, પરંતુ ત્યારબાદ ફરી પોતાના પશુઓને રોડ પર છુટા મુકી દેતા ફરી આ ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખી ગાયત્રી પરિવાર સિનિયર સિટીઝન બાંકડા ગ્રુપ દ્વારા તંત્રને પગલાં લેવા માંગણી કરાઈ છે.