ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12 ના પરિણામોમાં ડાંગ જિલ્લાએ ઇતિહાસ રચી દીધો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં 97.88% સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આટલું જ નહીં, વિજ્ઞાન પ્રવાહમાં પણ ડાંગ જિલ્લાએ રાજ્યના ટોચના જિલ્લાઓમાં સ્થાન મેળવતા આઠમો ક્રમ હાંસલ કર્યો છે. અંતરિયાળ ગણાતા આ જિલ્લાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સાબિત કરી દીધું છે કે સુવિધાઓ કરતા સંકલ્પ શક્તિ વધુ મહત્વની છે.

શિક્ષકો અને માતા-પિતા બન્યા માર્ગદર્શક

જિલ્લાના મુખ્ય મથક આહવાની રહેવાસી પ્રાચી ટંડેલે વિજ્ઞાન પ્રવાહમાં 97.54% (99.99 પર્સન્ટાઈલ) મેળવી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. પ્રાચીની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે કોઈ પણ મોંઘા ટ્યુશન ક્લાસીસ રાખ્યા વગર માત્ર શાળાના શિક્ષકો અને માતા-પિતાના માર્ગદર્શન હેઠળ જ આ સફળતા મેળવી છે. પોતાની સફળતા વિશે વાત કરતા પ્રાચીએ જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં સખત મહેનત કરીને IAS ઓફિસર બની દેશની સેવા કરવા ઈચ્છે છે.

શિક્ષણ ક્ષેત્રે ડાંગ જિલ્લાની ઐતિહાસિક હરણફાળ

ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક પરિણામથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ અને વિજ્ઞાન પ્રવાહમાં આઠમો ક્રમ મેળવવો એ ડાંગના શૈક્ષણિક સ્તરમાં થયેલા સુધારાનું પ્રતીક છે. આ સફળતા પાછળ જિલ્લાના કર્મનિષ્ઠ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની ધગશ જવાબદાર છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ પ્રાચી ટંડેલ સહિતના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો