ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં મોડી રાત્રે બનેલો મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. કોળી વાસ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કાકા અને ભત્રીજી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.

ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા

ઘાયલ બંનેને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ ગંભીર હાલતને કારણે નિલેશભાઈ શેખ (ઉંમર 45)ને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અન્ય ઇજાગ્રસ્તની સારવાર હાલ ચાલુ છે.

હુમલાખોરો બાઈક મૂકી ફરાર, પોલીસ તપાસ શરૂ

હુમલો કર્યા બાદ આરોપીઓ પોતાનું એક્ટિવા બાઈક ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ગોંડલ સિટી પોલીસ અને LCBની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અજાણ્યા હુમલાખોરોની ઓળખ અને ઘટનાના પાછળના કારણો જાણવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અંગત અદાવત કે અન્ય કારણો અંગે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો