ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર આજે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે. સિક્સલેન રોડની કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર આડેધડ મુકાયેલા સિમેન્ટના ગડર (ડિવાઈડર) એક 20 વર્ષીય યુવાન માટે કાળ સાબિત થયા છે. ચોરડી ગામ પાસે બનેલી આ ઘટનામાં ટ્રકની ટક્કરથી બાઈક સવાર યુવાન રોડ પર પટકાયો હતો અને તેનું માથું સીધું સિમેન્ટના ગડર સાથે અથડાતા તેણે જીવ ગુમાવ્યો હતો.

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત

મળતી માહિતી મુજબ, ગોંડલનો 20 વર્ષીય યુવાન શકીલ મસ્કતી તેના અન્ય બે મિત્રો સાથે બાઈક પર ગોંડલથી જેતપુર ફેબ્રિકેશનના કામે જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતા એક પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા. દુર્ભાગ્યવશ, શકીલ રોડ પર પટકાતા તેનું માથું હાઈવે પર આડેધડ પડેલા સિમેન્ટના ભારેખમ ગડર સાથે અથડાયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોની હાલત અને સ્થાનિકોની દોડધામ

અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય બે યુવાનોને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ઇમરજન્સી 112 પોલીસ વાન અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક શકીલના દેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat: એરપોર્ટ પર બોમ્બની અફવાથી હડકંપ, "મારી પાસે બોમ્બ છે" કહી યુવકે સ્ટાફને ફાળ પાડી, ડુમસ પોલીસે કરી ધરપકડ