ગોંડલ શહેરમાં ગત રાત્રે એક નશાખોર કારચાલકે ભારે આતંક મચાવ્યો હતો. અલ્ટો કાર લઈને નીકળેલા ચિક્કાર નશામાં ધૂત ચાલકે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને ભાગી રહેલા આ કારચાલકનો સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જેને પગલે સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


દારૂની બોટલ અને બાઈટિંગ સાથે મહેફિલ

સ્થાનિક લોકોના ટોળાએ આખરે આશાપુરા ચોકડી પાસે કારને આંતરી લીધી હતી. જ્યારે લોકોએ કારની તલાશી લીધી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની અંદરથી દારૂની બોટલ, કાચના ગ્લાસ અને ખાવા માટેનું બાઈટિંગ પણ મળી આવ્યું હતું. આ જોતા જ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને કારમાંથી બહાર ખેંચીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસની કામગીરી

ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોના રોષનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત કારચાલક અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને પોલીસે ટોળામાંથી છોડાવીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શખ્સો ભારે નશાની હાલતમાં હતા.હાલમાં પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ દારૂબંધીના ભંગ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Surat: સચિન અને ભેસ્તાન વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના કાળાબજાર ઝડપાયા


  • Follow us on: