ગોંડલ તાલુકાના ઘોડાવાદર અને રામોદ ગામ વચ્ચે અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવી રહેલી એક કારે એક્ટિવાને હડફેટે લેતાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.ગામમાં એકસાથે ત્રણ ત્રણ અર્થીઓ ઉઠતા શોક ફેલાયો છે.અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. 40), તેમનાં પત્ની શાંતુબેન (ઉં.વ. 37) અને તેમનો 13 વર્ષનો પુત્ર વ્રજ પોતાની ભત્રીજીની ખબર પૂછવા માટે એક્ટિવા GJ 03 LS 5971 પર રામોદ તરફ્ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવાદર-રામોદ વચ્ચે સવારે દશ નાં સુમારે પૂરપાટ ઝડપે ધસી આવેલીGJ 23 CF 0472 નંબરની કાર ના ચાલકે એક્ટિવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબક્યા હતા.

અકસમાતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર એક મહિલા ચલાવી રહી હતી. બનાવ અંગે જાણ કરાતાં જ પોલીસ કાફ્લો તથા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના કારણે રસ્તા પર થોડો સમય ટ્રાફ્કિ જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.