ગોંડલના ભોજરાજપરા ગંજીવાળા રોડ પર આવેલ 'જે ભગવાન એન્ટરપ્રાઈઝ' નામના લાકડાના છોલના કારખાનામાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. લાકડાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

વિકરાળ આગ અને ફાયર ફાઈટરોનો મારો

આગની ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, આગ એટલી ભયાનક હતી કે ગોંડલની ટીમ પહોંચી ન વળતા તાત્કાલિક રાજકોટ અને શાપર-વેરાવળથી વધારાના ફાયર ફાઈટરો તેડાવવાની ફરજ પડી હતી. 4 ફાયર ફાઈટરો અને ખાનગી પાણીના ટેન્કરો દ્વારા સતત 5 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

જેસીબીથી દીવાલો તોડી આગ બુઝાવવા પ્રયાસ

કારખાનાની અંદર જવામાં મુશ્કેલી પડતા અંતે બે જેસીબી મશીનોની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા કારખાનાની દીવાલો તોડીને અંદર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગના કારણે કારખાનામાં રહેલા લાકડા, લાકડાનો છોલ, ૨ મોટા મશીનો અને ઇલેક્ટ્રિક મોટર સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

5 કલાકની જહેમત બાદ પણ કામગીરી જારી

આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે લાગેલી આગ પર હજુ પણ કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાના જથ્થાને કારણે અંદર હજુ પણ ધગધગતી આગ હોવાથી તેને સંપૂર્ણપણે ઠારતા હજુ ૧ થી ૨ કલાક જેટલો સમય લાગી શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો: Surat: પોલીસ ચોકીમાં PSI પર હુમલો, ચૌહાણ બંધુઓએ વર્ધી ફાડી પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો