ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસે એક આશ્ચર્યજનક અને સુખદ વળાંક જોવા મળ્યો છે. ભૂતકાળમાં થયેલી ગેરસમજ અને વિવાદો બાદ, ગણેશ જાડેજા અને અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકી વચ્ચે મડાગાંઠ ઉકલી ગઈ છે. ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીએ ખાસ ઉપસ્થિતિ આપીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.
સમગ્ર સમાજ ગણેશ અને જયરાજસિંહની સાથે
રાજુ સોલંકીએ આ પ્રસંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુની સાથે છે." તેમણે વિરોધ કરનારા તત્વોને આડે હાથ લેતા કહ્યું કે, જે લોકો ગેરસમજ ઉભી કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં સમાજનું ભલું નથી ઈચ્છતા. તેમણે અનુસૂચિત સમાજના યુવાનોને અપીલ કરી હતી કે 'તોડબાજ ગેંગ'ની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાય.
વાયરલ ઓડિયો ક્લિપ અંગે મોટો ધડાકો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 10 કરોડની માંગણી વાળી ઓડિયો ક્લિપ અંગે સ્પષ્ટતા કરતા રાજુ સોલંકીએ જણાવ્યું કે, આ ઓડિયો ક્લિપ ૨-૩ મહિના જૂની છે. 10 કરોડની વાત માત્ર સમાધાન ન થાય તે માટેના હેતુથી કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે જૂનાગઢમાં જે આવેદનપત્રો અપાઈ રહ્યા છે તે માત્ર દબાણ લાવવા અને 'તોડ' કરવા માટેની રમત છે.
'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અપીલ
રાજુ સોલંકીએ આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે હું ૧૩ મહિના જેલમાં હતો ત્યારે આ આવેદનપત્ર આપનારા અને વિરોધ કરનારા ક્યાં હતા?" તેમણે અનુસૂચિત જાતિના યુવાનોને 'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અને જયરાજસિંહ બાપુ પર ખોટા દબાણ લાવતા તત્વોને ઓળખવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ