ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના એક ખેડૂત પરિવારે સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર થયેલા જયેશભાઈ ગોંડલિયાના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લેતા પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.


અકસ્માત અને બ્રેઈનડેડની સ્થિતિ

ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ જયેશભાઈ ગોંડલિયાનો અકસ્માત થયો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. આ મુશ્કેલ ઘડીમાં હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવતા, ખેડૂત પરિવારે પોતાના અંગત દુઃખને બાજુ પર મૂકી અન્યના જીવન બચાવવા માટે સહમતી દર્શાવી હતી.

દાનમાં મળેલા અંગો અને ગ્રીન કોરિડોર

પરિવારની મંજૂરી બાદ જયેશભાઈના નીચે મુજબના અંગોનું દાન કરવામાં આવ્યું હતું, સિમ્સ હોસ્પિટલ (અમદાવાદ) ની ટીમ દ્વારા હૃદયને અમદાવાદ મોકલી પ્રત્યારોપણ કરાયું. બંને કિડની રાજકોટના દર્દીઓ માટે લેવામાં આવી.ઝાયડસ હોસ્પિટલ (અમદાવાદ) ની ટીમ દ્વારા લીવર મેળવવામાં આવ્યું. ચક્ષુદાન દ્વારા બે વ્યક્તિઓને દ્રષ્ટિ મળી.

પરિવારની અસાધારણ હિંમત

જયેશભાઈના પત્ની ભાવનાબેન, સંતાનો નિર્ભય અને માહી, તેમજ તેમના માતા-પિતા અને ભાઈઓએ આ નિર્ણય લઈને સમાજને નવી રાહ ચીંધી છે. રાજકોટમાંથી નોંધાયેલું આ ૧૨૧મું અંગદાન છે. તબીબી જગતમાં આ સફળ પ્રક્રિયા માટે ડો. કૌમિલ કોઠારી અને હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: