રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હોવાની વાત સામે આવી છે. ગુજરાતના વાતાવરણમાં ગુરુવારે એકાએક પલટો આવતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના અનેક વિસ્તારોમાં વિજળી ડુલ થતાં અંધારપટનો માહોલ સર્જાયો હતો

અચાનક પલટાયેલું વાતવરણ અને મિનિ વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં માર્ચ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. કરા, આંધી સાથે રાજ્યના ૮૦થી વધુતાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. તેજ પવન ફૂંકાતા રાજ્યમાં અનેક મહાકાય વૃક્ષો ધરાશપ થવા સાથે મોટા હોર્ડિંગ્સ, પતરા તેમજ ધુળની ડમરીઓ ઉંડી હતી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમરેલીના બગસરામાં પોલા બે, ચોટીલામાં દોઢ, રાજકોટ અને ભેંસાણ તાલુકામાં ૧ કલાકમાં જ સવા ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વિજળી ડુલ થતાં અંધારપટનો માહોલ સર્જાયો હતો.

જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવનની સ્થિતિ હતી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. બુધવાર રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવન ફુંકાવી હતો.

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે

દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને બોટાદ જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદની સાથે સાથે તેજ પવન અને વાવાઝોડુ આવતાં કેટલાક વિસ્તારોમાં ભારે તાબાહી પણ મચાવી હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર સવારથી વાતાવરણ હળવુ થઈ જશે. વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તેમજ રાજકોટ, જામનગર અને મોરબી સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો, સુરતમાં મીની વાવાઝોડાના કારણે એકનું મોત