હાલોલ દ્વારકાધીશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા પૂજનીય ગૌવંશની સેવા સંરક્ષણ અને સંવર્ધન માટે તૃતીયગૃહ (પીઠાધીશ્વર) કાંકરોલી નરેશ પૂ. ગોસ્વામી 108 ડૉ. વાગેશકુમાર મહોદય મહારાજના માર્ગદર્શન હેઠળ હાલોલ-ગોધરા રોડ બાયપાસ ખાતે આવેલ મંદિર સંચાલિત નવીન સુરભી ગૌશાળાના નવનિર્માણ કાર્યના પ્રારંભ નિમિત્તે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું સ્થાન અત્યંત પવિત્ર અને પૂજનીય રહ્યું છે. ગૌસેવા અને ગૌસંવર્ધનના પવિત્ર હેતુ સાથે શરૂ કરવામાં આવી રહેલી આ ગૌશાળાના વાસ્તુપૂજન પ્રસંગે કંજરી સ્ટેટના યુવરાજ મયુર ધ્વજસિંહ પરમાર મંદિર ટ્રસ્ટના સભ્યો, કાર્યકર્તાઓ, અનેક મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં પુષ્ટીસંપ્રદાય ના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગૌશાળાના નિર્માણ માટેની જમીન ઠાકોરલાલ નટવરલાલ શાહ તથા ચંદ્રિકાબેન શાહ દ્વારા દ્વારકાધીશ મંદિરને દાનમાં આપવામાં આવી હતી. જે બાદ ગૌશાળાના નિર્માણ માટેનો માર્ગ મોકળો બન્યો છે. વાસ્તુપૂજન પૂર્ણ થયા બાદ દાતાઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું. ત્યારબાદ પૂ.વાગીશકુમાર મહોદયે ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. નવીન સુરભી ગૌશાળાના નિર્માણથી ગૌસેવાની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
