આસો નવરાત્રી-2026 દરમિયાન યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સુચારુ, સુરક્ષિત અને સુવિધાસભર વ્યવસ્થા મળી રહે તે હેતુથી આજે ગુરુવારે હાલોલ પ્રાંત કચેરી ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેકટર જે.જે. પટેલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. યોજાયેલ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા નવરાત્રી તહેવાર દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપી યાત્રિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો, સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવું તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર યોગ્ય વ્યવસ્થા જાળવવી તેમજ ટ્રાફ્કિ નિયંત્રણ કરવા ટ્રાફ્કિનું સુચારુ નિયમન થાય તે માટે એસ.ટી. બસો તેમજ ખાનગી વાહનો માટે અલગ અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવી. તળેટીથી માંચી સુધી યાત્રિકોની અવરજવર માટે પૂરતા પ્રમાણમાં બસ સેવા ઉપલબ્ધ રાખવી. સાથે સાથે યાત્રિકોના આરોગ્ય અને ઈમરજન્સી સેવા માટે તળેટી, માંચી, મંદિર પરિસર તથા એસ.ટી. સ્ટેન્ડ નજીક તબીબી ટીમો અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ચોવીસે કલાક તૈનાત રાખવા સૂચન કરાયું હતું. ઉપરાંત ખાસ કરીને યાત્રિકો માટે સ્વચ્છ અને પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, સમગ્ર યાત્રાધામ અને અવરજવરના માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબીન મૂકવા સહિતની સફાઈ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચન કરાયું હતું.

પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ ને લઇ ગરબા અને અન્ય આયોજનો દરમિયાન પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રિત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે તમામ સ્તરે સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.