હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ ધામ તાજપુરા ખાતે આજે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના પાવન પર્વની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ અવસરે પરમ પૂજ્ય નારાયણ બાપુજીના આશીર્વાદ અને અન્નકૂટ મહોત્સવના દર્શનનો લાહવો લેવા માટે અંદાજે દોઢ લાખથી વધુ શ્રાદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડયું હતું. હાલોલ તાલુકાની પાવન ઘરાના મહાન સંતશ્રી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુની તપો ભૂમિ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે મંગળવારને કારતકી પૂનમને દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટના દર્શનનું ભવ્ય આયોજન શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. જેમાં શ્રી નારાયણ ધામમાં મંદિર સહિત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુની ગુફ ખાતે છપ્પન ભોગ ની મીઠાઈઓ તેમજ વિવિધ ફરસાણ અને અન્ય પકવાન તેમજ સૂકા મેવા તેમજ ફ્ળફ્ળાદી અને શાકભાજી આમ કુલ 151, ઉપરાંત વાનગીઓના ભવ્ય થાળ સજાવી અન્નકૂટ ધરાવાયો હતો. વહેલી સવારથી આરંભ કરવામાં આવતા શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે વહેલી સવારથી જ અન્નકૂટના દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો નારાયણ ભક્તોની જામી હતી. અને શિસ્તબદ્ધ કતારમાં ઉભા રહી ક્રમાનુસાર વારાફરતી સવારથી બપોર સુધીમાં દોઢ લાખ ઉપરાંત નારાયણ ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને અન્નકૂટના દર્શન કરવાનો લ્હાવો લેવા સહિત પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ બાપુ ની સમાધિ ખાતે શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલોલ રૂરલ પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી જેમાં એક ડીવાયએસપી, 2, પી.આઇ તેમજ 3, પી.એસ.આઇ આમ કુલ મળી જીઆઇડી હોમગાર્ડ સહિત 300 ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર તાજપુરા ખાતે સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવી તેમજ ટ્રાફ્કિ વ્યવસ્થાની જાળવણી સહિતની તમામ બંદોબસ્તની કામગીરી સતત ખડેપગે ઊભા રહી બજાવવામાં આવી હતી.
