પંચમહાલ જિલ્લાના હાલોલ એસટી ડેપોમાં આજે ધોળા દિવસે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે, જેમાં ધોરણ-11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. શાળાના કોઈ જૂના ઝઘડાની અદાવત રાખીને આ હુમલાખોરોએ વિદ્યાર્થીને એસટી ડેપોમાં જ આંતરી લીધો હતો અને લાકડાના ફટકા વડે જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. ભીડભાડવાળા ડેપોમાં બનેલી આ ઘટનાથી મુસાફરોમાં પણ ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. હુમલાખોરોએ વિદ્યાર્થીને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો.


હાલોલ પોલીસ એક્શનમાં

ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ હાલોલ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓની પૂછપરછના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચેના સામાન્ય ઝઘડાએ આવું હિંસક સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં ચિંતાની લાગણી જન્મી છે.

આ પણ વાંચો : Rajkot News : સમરસ હોસ્ટેલમાં ભોજનના નામે જીવાત, પીરસાયેલા ખોરાકમાં મકોડા નીકળતા ભારે હોબાળો

  • Follow us on: