સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર છેલ્લા 15થી 20 દિવસથી પાણીની ગંભીર કટોકટી બાદ આજે તંત્ર સફળું જાગી ડુંગર પરના છાસિયા તળાવ તેમજ દુધિયા તળાવને ઉંડુ કરવાની કામગીરીના શ્રી ગણેશ કર્યા હતાં.
પાવાગઢ ડુંગર પર છેલ્લા ઘણા વર્ષોથી માર્ચ માસની શરૂઆતથી તળાવો સુકાઈ જવા જેના કારણે કુવામાં પણ પાણી ખલાસ થઈ જતા ડુંગર પર પાણીની ગંભીર કટોકટીની ફરિયાદો સાંભળવા મળતી હતી. છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાના કારણે ચાલુ વર્ષે છેલ્લા 15 દિવસ ઉપરાંત ના સમયગાળાથી ડુંગર પર પાણીની ગંભીર કટોકટી સર્જાતા અફરાતફરિનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનિક લોકો તો ઠીક યાત્રાળુઓ પણ પાણી વિના લાચારી અનુભવતા હતા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિર ટ્રસ્ટને પણ પાણીની કટોકટી નો સામનો કરવો પડયો હતો, જેના પગલે અન્નક્ષેત્ર એક સપ્તાહ સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે મંદિર ટ્રસ્ટને પોતાના વપરાશ માટે પાણીના જગ મંગાવવાની ફરજ પડી હતી તેમ જાણવા મળતું હતું. આ વર્ષે પાણીની ગંભીર કટોકટી બાદ તંત્ર મોડે મોડે જાગ્યું અને વરસાદનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. વરસાદ ક્યારે આવશે તેની ઘડીઓ ગણાવી રહી છે, ત્યારે તળાવો ઊંડા કરવાની જેથી કરીને આવતા વર્ષે પાણીનો જળસંગ્રહ વધે તે માટેની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે. જોકે આ કાર્યવાહી સુજલામ સુફ્લામ યોજના હેઠળ એક માસ અગાઉ હાથ ધરવામાં આવી હોત તો આજે તળાવો ઊંડા થઈ ગયા હોત તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.










