મોરબી જિલ્લાના હળવદમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વેપારીની પત્નીએ પોલીસ સ્ટેશનમાં દસ જેટલા શખ્સો સામે માનસિક ત્રાસ આપવા, ધમકી આપવા અને મરવા માટે મજબૂર કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર
તા. 17ના રોજ બનેલા આ બનાવમાં, મૃતક વેપારી નવનિતભાઈએ કેદારીયા ગામ નજીક લીઝોન એગ્રી પ્રોડક્ટ કારખાનાના ગ્રાઉન્ડમાં પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.નવનિતભાઈની પત્ની હંસાબેને હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ ઉપરાંત, જમીનના રૂપિયા ચૂકવ્યા હોવા છતાં દસ્તાવેજ ન કરી આપીને વેપારીને ભારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
