હળવદ તાલુકાના ટીકર, માનગઢ, મિયાણી, વેગડવાવ, રણમલપુર, ઘણાદ, બુટવડા, ઘનશ્યામગઢ સહિત 20 ગામને જોડતા આ એકમાત્ર મુખ્ય રસ્તા પર આવેલું બાપાસીતારામ મઢુલી પાસેનું રેલવે ફાટક દિવસ દરમિયાન મોટાભાગનો સમય બંધ રહેતું હોય છે, જેના કારણે વાહનચાલકોને લાંબો સમય સુધી ટ્રાફ્કિમાં ફ્સાવું પડે છે. ત્યારે નાગરિકોની આ લાંબા સમયની માંગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા વેગડવાવ રેલવે ફાટક ખાતે રેલવે ઓવરબ્રિજ તથા અંડરબ્રિજ બનાવવા માટે રૂ. 76 કરોડની માતબર રકમ મંજૂર કરાઈ છે. જેની જમીન સંપાદન અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી શુક્રવારને તા. 16 મીએ સવારે 9:30 કલાકે સાંસદ ચંદુભાઈ શિહોરા તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે યોજાશે.