હળવદ શહેરની સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને હોમવર્ક નહીં લાવવાના બહાને શાળાના આચાર્ય દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ખાસ કરીને શારીરિક રીતે નબળા અને સારવાર હેઠળ રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને હાથ અને પગ પર માર મારવામાં આવતાં તેના શરીર પર સોળ પડી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે અંગ્રેજી વિષયનો પિરિયડ દરમિયાન શાળાના આચાર્ય તથા અંગ્રેજીના શિક્ષક મયુર પડસુંબિયાએ હોમવર્ક નહીં લાવનારા ધોરણ-9ના આશરે 15 થી વધુ વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો હતો. આ દરમિયાન એક શારીરિક રીતે નબળા વિદ્યાર્થીને વધુ માર પડતાં તેના હાથ અને પગ પર સોળ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થી ઘરે પહોંચ્યા બાદ તેણે સમગ્ર ઘટના પોતાના માતા-પિતાને જણાવતાં તેઓ આક્રોશિત બન્યા હતા. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પર શારીરિક અત્યાચાર કરવો કેટલો યોગ્ય છે?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો