હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં પસાર થતી 220 KV હળવદ-સરતાનપર 13 વર્ષ જૂની જેટકો (GETCO) લાઈનનો હેવી વીજતાર અચાનક તૂટી પડતાં ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવોલ્ટેજ તાર ખેતરોમાંથી પસાર થતી આશરે ત્રણ ચાલુ વીજ લાઈનો પર પડતાં મોટો શોર્ટ સર્કિટ સર્જાયો હતો. જેના પરિણામે ખેતરોમાં લગાવેલા વીજ બોર્ડ, સ્ટાર્ટર સહિત આશરે 50 જેટલી પાણીની મોટરો બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઘટના સમયે ખેતરોમાં ખેતમજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વિશાળકાય હેવી વીજતાર તૂટી પડતાં ખેતરમાં કામ કરતા મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી. તાર પડતાની સાથે જ શોર્ટ સર્કિટ થતાં વીજ ઉપકરણોમાં આગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે ખેતમજૂરોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાએ ખેડૂતો અને મજૂરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ સ્થળ પર એકત્ર થયેલા સ્થાનિક ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
