હળવદ : દેશના 80મા સ્વાતંર્ત્ય દિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દરબાર નાકા ખાતે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. હળવદ નગરપાલિકા પ્રમુખ ફેરમબેન વિશાલભાઈ રાવલના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર શહીદો, સ્વાતંર્ત્ય સેનાનીઓ અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રાદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઐતિહાસિક દરબાર નાકા ખાતે ગૌરવ સાથે લહેરાતો તિરંગો સમગ્ર હળવદ શહેર માટે એકતા, રાષ્ટ્રપ્રેમ અને ગૌરવનું પ્રતીક બન્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યઓ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન રમેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ યશભાઈ પટેલ, મહામંત્રીશ્રી સહિત સંગઠનના આગેવાનો, સામાજિક કાર્યકરો, વેપારી આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
