હળવદ શહેરમાં છેલ્લા વીસ દિવસથી ગંદા અને પડતર પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂની મામલતદાર કચેરીની આગળથી વહેતું ગંદકીયુક્ત પાણી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંદાજે બે કિલોમીટર સુધી ફેલાઈ રહ્યું હોવાના કારણે નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જૂની મામલતદાર કચેરી પાસેથી શરૂ થતું આ ગંદુ પાણી સરકારી દવાખાના, બસ સ્ટેન્ડ, હળવદ નગરપાલિકા સ્ટેશન રોડ, એસબીઆઈ બેંક, કિસ્મત બેકરી, વિવેકાનંદ સ્કૂલ, ડૉ. મેવાડાના દવાખાના, મામલતદારના રહેણાંક વિસ્તાર, નવનિર્માણ સ્કૂલ થઈ અનક્ષત્ર સુધી વહેતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા વીસ દિવસથી રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહેતા અનેક સ્થળોએ કાદવ-કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ મંદિરે જતા લોકો પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં, ભાજપના પૂર્વ કોર્પોરેટરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારાયોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ગંદા પાણીના સતત વહેણને કારણે શહેરમાં ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સમગ્ર મામલે હવે નાગરિકો કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવા જવાની તૈયારી કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો