હળવદ-અમદાવાદ હાઈવે રોડ પર જીયો પેટ્રોલ પંપની સામે આવેલા સ્મશાનમાંથી 1 લોખંડની ખાટલી (જેની કિંમત અંદાજે 50,000 રૂપિયા છે) કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અનુસંધાને હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ તપાસમાં હતો. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે હિંમત કાનજીભાઈ પરમાર અને કાંતી ઉર્ફે કાનો નામના શખ્સોએ આ ચોરી કરી છે અને ચોરેલો સામાન મોરબી ચોકડી પાસે ભંગારના ડેલામાં વેચ્યો છે.
પોલીસે બાતમીના આધારે મોરબી ચોકડી પાસે તપાસ કરતા ભંગારના ડેલાવાળા પૂનમભાઈ દેવજીભાઈ મકવાણા (ઉં.વ 40, રહે. ભવાનીનગર ઢોરે, હળવદ) પાસેથી સ્મશાન માંથી ચોરાયેલી લોખંડની ખાટલી ભાંગેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે લોખંડની ખાટલીના ટુકડા અને જાળીના કટકા મળી કુલ 50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે હિંમત કાનજીભાઈ પરમાર (રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) અને ભંગારના ડેલાવાળા પૂનમભાઈ દેવજીભાઈ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય એક આરોપી કાંતી ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ, હળવદ) ને પકડવાની તજવીજચાલી રહી છે.
