હળવદ તાલુકાના જુના દેવળિયા ગામ ખાતે તા. 23/08/2026ના રોજ મોડી સાંજે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના મુદ્દે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જુના દેવળિયા ઉપરાંત આસપાસના વિવિધ ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજ પોલના કારણે ખેતીના પાક તેમજ જમીનને થતું નુકસાન અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ઉપસ્થિત ખેડૂતોએ વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન ખેડૂતોએ કંપનીની કામગીરી અંગે પોતાના પ્રશ્નો અને વાંધાઓ રજૂ કરી, ખેડૂતોના હિતોને નુકસાન ન થાય તે માટે એકજૂથ બની અવાજ ઉઠાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
