હળવદ નજીક આવેલા રણકાંઠા ના એજાર ગામની સીમ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર ફીડર તથા શક્તિ ફીડર છેલ્લા એક માસથી બંધ હાલતમાં હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે એજાર ગામના ગ્રામજનોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા એક માસથી બંને ફીડર બંધ હોવાથી ખેડૂતોને ખેતીની કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ફીડર ઉપર વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં તેનું કારણ ગ્રામજનોને સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરિણામે આશરે 15 હજાર વીધા જેટલી જમીનમાં પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ અંગે અગાઉ પણ મૌખિક રીતે ચાર વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી બંને ફીડર ચાલુ કરવામાં આવ્યા નથી. ગંગેશ્વર ફીડરમાં વર્ષ 1988થી આજદિન સુધી કોઈપણ પ્રકારનું મેઈન્ટેનન્સ કાર્ય થયું નથી તેવો પણ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે. નવા વીજ ફીડર માટે પણ બે વર્ષ અગાઉ અરજી કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે ખેડૂતો અને ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. એજાર ગામના ગ્રામજનોએ PGVCLના અધિકારીઓને રજૂઆત કરી ગામના પ્રશ્નનું નિરાકરણ લાવી બંને ફીડર તાત્કાલિક ચાલુ કરવા તેમજ નવા ફીડરની માંગ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
