હળવદ શહેરના આનંદપાર્ક પાસેના વિસ્તારમાં આવેલું સરકારી આયુર્વેદિક દવાખાનામાં એક વર્ષમાં બાર હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે જે તે બિમારી માટે આયુર્વેદિક નિદાન તેમજ દવાનો લાભ લઈ રાહત અનુભવી છે. દવાખાનામાં હાલમાં આરોગ્ય અધિકારી ડો.પ્રવીણ વડાવીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સેવાઓનો શહેરીજનોને લાભ આપવામાં આવી રહ્યો છે. આયુર્વેદ મંદિરમાં અંદરની સજાવટ પણ આયુર્વેદ થીમ મુજબ કરવામાં આવી છે. જ્યાં હરડે, સૂંઠ, શતાવરી, આંબળા, અશ્વગંધા ગડૂચી જનજાગૃતિ માટે નમુનારૂપ રાખવામાં આવ્યા છે. ડો.પ્રવીણ વડાવીયાના જણાવ્યા મુજબ દર વર્ષે શિયાળાની ઋતુમાં વહેલી સવારે નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ પાટિયા ગ્રુપના સહકારથી કરવામાં આવે છે. જેનો લાભ શહેરીજનો મોટીસંખ્યામાં લઇ રહ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી ઓક્ટોમ્બર સુધી શહેર આસપાસના 8થી 10 ગામમાં નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
