હળવદઃ હળવદ તાલુકામાં ખાનગી શાળાઓની બસોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સોમવારે સાંજના સમયે હળવદની એક ખાનગી શાળાની સ્કૂલ બસ આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને લઈને ટીકર તરફ્ જઈ રહી હતી ત્યારે મિયાણી-ટીકર રોડ પર અચાનક બસમાં તકનિકી ખામી સર્જાતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં બેઠેલા બાળકોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકો અને વાલીઓએ તાત્કાલિક દોડી જઈ બાળકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. આ ઘટનાએ ફરી એકવાર હળવદ તાલુકાની વિવિધ ખાનગી શાળાઓમાં દોડતી સ્કૂલ બસોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અનેક બસો વર્ષોથી ભંગાર હાલતમાં અને પૂરતી જાળવણી વિના વિદ્યાર્થીઓના જીવના જોખમે રસ્તા પર દોડતી હોવાના આક્ષેપો વારંવાર થતા રહ્યા છે. તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા કડક તપાસ કે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી વાલીઓમાં વ્યાપક ફરિયાદ છે. વાલીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં. તેઓએ માંગકરી છે કે હળવદની તમામ ખાનગી શાળાઓની બસોનું તાત્કાલિક ફ્ટિનેસ ચેકિંગ કરવામાં આવે, ભંગાર હાલતમાં ચાલતી બસોને રસ્તા પરથી દૂર કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો