જર જમીન અને જોરું ત્રણ કજીયાના છોરું ઉક્તિને સાર્થક કરતા બનાવમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે ખેતીની જમીન ધરાવતા રાજકોટના મહિલાના સગાપુત્રએ માતાની જાણ બહાર ખેતીની જમીન હડપ કરવા માટે બોગસ વારસાઈ આંબો તૈયાર કરાવી હક્ક પત્રકમાં પોતાનું અને ભાઈનું નામ ચડાવી દેતા માતાએ પુત્ર વિરુદ્ધ ફેજદારી ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને હળવદ તાલુકાના મયુરનગર ગામે ખેતીની જમીન ધરાવતા ગીતાબેન દિલીપભાઈ ઉર્ફે દિલુભાઈ હમીરભાઈ ડાંગર નામના મહિલાએ આરોપી એવા પુત્ર ધવલ દિલીપભાઈ ઉર્ફે દિલુભાઈ ડાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમની હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 923 પૈકી 2ની આશરે દસેક વિઘા જમીન ઠગાઈ કરવાના ઈરાદે આરોપીધવલે ખોટું પેઢીનામું તૈયાર કરી ફરિયાદી ગીતાબેનની ખોટી સહીઓ કરી સોગંદનામું કરી પોતાનું તેમજ સાગરનું નામ હક્કપત્રકમાં ચડાવી દીધું હતું.બનાવ અંગે હળવદ પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો