દિવાળીના સાત દિવસના મીની વેકેશન બાદ સોમવારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખુલતાં જ નવા વર્ષના પ્રથમ દિવસે જ ખેડૂતોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. યાર્ડના દરવાજા ખુલતાંની સાથે જ કપાસ ભરેલા ટ્રેક્ટરો, ટ્રકો અને ટ્રોલીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. એક જ દિવસમાં કપાસની 40 હજાર મણ અને મગફ્ળીની 25 હજાર મણની બમ્પર આવક નોંધાતા આખું યાર્ડ કપાસ અને મગફ્ળીના ઢગથી ઉભરાઈ ગયું હતું. ઝાલાવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ હરોળના ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં માત્ર હળવદ તાલુકાના જ નહીં, પરંતુ આસપાસના તાલુકાના ખેડૂતો પોતાની જણસોનું વેચાણ કરવા આવતા હોય છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ ખાસ કરીને કપાસ સહિત વિવિધ જણસો લઈને હળવદ યાર્ડમાં આવે છે. મોરબી તાલુકાના અમુક ગામડાઓ ઉપરાંત માળીયા, વઢવાણ, લીંબડી, મુળી, ધ્રાંગધ્રા સહિતના તાલુકાના ખેડૂતોને હળવદ યાર્ડમાં અન્ય યાર્ડ કરતાં પોતાની જણસોના સારા અને યોગ્ય ભાવ મળી રહેતા હોવાથી તેઓ હળવદને જ પ્રથમ પસંદગી આપતા હોય છે. આથી જ દિવાળી બાદના પ્રથમ દિવસે જ યાર્ડમાં અઢળક આવક નોંધાઈ હતી. સોમવારે કપાસની 40 હજાર મણની આવક સામે ખેડૂતોને 20 કિલોએ રૂ. 1750 થી 1850 આસપાસનો ભાવ મળ્યો હતો. મગફ્ળીની પણ 25 હજાર મણની મોટી આવક નોંધાઈ હતી. નવા વર્ષના પ્રથમ દિવસે જ સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડમાં પહોંચી ગયા હતા અને હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થતાં રોકડા નાણાં મેળવીને સંતોષ સાથે ઘરે પરત ર્ફ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો