હળવદ તાલુકાના ટીકર ગામમાંથી નીકળતા રસ્તામાં સતત ગંદા પાણી ભરાઇ રહેતા હોવા છતાંય પંચાયત કે ધારાસભ્ય ઉકેલ નહી લાવતા ગ્રામજનોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવી તાત્કાલીક સમસ્યા નહીં ઉકેલાય તો મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસવાની મહિલાએ ચીમકી આપી હતી.


હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા હંમેશા વિકસીત ભારત બનાવવાના બણગા ફુંકતા હોય છે. પરંતુ ભારતની વાત તો ઠીક પરંતુ પોતાના મત વિસ્તારમાં જ લોકોની સમસ્યા ઉકેલવા કોઇ ધ્યાન આપતા નથી. હળવદના ટીકર ગામની વચ્ચો વચ્ચ પસાર થતા રોડમાં સતત ગંદાપાણી ભરાઇ રહેતા હોવાના કારણે ગ્રામજનો, બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સતત ગંદા પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા બિમારી ફેલાવાનો પણ ભય દેખાઇ રહયો છે.આ બાબતે પંચાયત અને ધારાસભ્યને વારંવાર રજૂઆત છતાય સમસ્યા નહી ઉકેલાતા મહિલાઓ રોડ ઉપર નીકળી પડી હતી અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ગામની વચ્ચેથી ખુલ્લેઆમ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો નીકળતા હોવાથી રસ્તો પણ બિસ્માર થતો જાય છે. એમ છતાંય હળવદનું તંત્ર ખનીજ ચોરી અટકાવવા માટે પણ કોઇ કાર્યવાહી કરતુ નથી.હવે ગ્રામજનોની આ ધરણાની ચીમકી બાદ ગ્રામપંચાયત કે ધારાસભ્ય ગ્રામજનોની સમસ્યા ઉકેલવાનું શું અને કયારે કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: