હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના અનેક ગામોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અજિતગઢ, ખોડ, જોગડ સહિતના ગામોમાં પસાર થતી અમુક કેનાલો પર નાળા મૂકવામાં આવતા કેનાલનું તેમજ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ અંગે અજિતગઢ ગામના ખેડૂત અશોકભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તાર તેમજ આસપાસના ગામોની અંદાજે 4 હજાર વિઘા જમીન પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી પાણીના નિકાલ તેમજ નુકસાનનું સર્વેક્ષણ કરી વળતર ચૂકવવાની માંગ કરી છે.