મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોટો ફિયાસ્કો થયો છે. શહેરમાં પર્યાવરણની જાગૃતિ માટે ‘એક પેડ મા કે નામ’અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ સિહોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


 ઉત્સાહી નેતાઓએ માત્ર ફોટો સેશન જ કર્યું

જોકે, ભાજપ સંગઠનના કેટલાક ઉત્સાહી નેતાઓએ માત્ર ફોટો સેશન અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ખુદ પોતાના જ સાંસદને પણ અંધારામાં રાખ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે હવે આખું સંગઠન ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.

સાંસદ પાસે સફાઇ કરાવી શરુઆત કરી

બન્યું એવું કે, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સાંસદ ચંદુભાઈ સિહોરાના હસ્તે હાથમાં સાવરણો આપીને સફાઈ કામગીરીની શરૂઆત કરાવવામાં આવી હતી. સાંસદ અને અન્ય નેતાઓએ કેમેરા સામે પોઝ આપીને સાવરણા ફેરવ્યા હતા અને ફોટા પડાવ્યા હતા.

હાઇટેક સ્વીપર મશીન દોડાવી દીધું

જો કે નેતાઓનું આ આભાસી સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું જ સીમિત હતું તેની પોલ મિનિટોમાં જ ખુલી ગઈ હતી. જેવા સાંસદ અને નેતાઓના ફોટા પડી ગયા, કે તુરંત જ સ્થાનિક પદાધિકારીઓએ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે તે જ જગ્યા પર નગરપાલિકાનું હાઇટેક સ્વીપર મશીન દોડાવી દીધું હતું.

ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ

આ ઘટનાના લાઈવ દ્રશ્યો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્થાનિક નાગરિકો સોશિયલ મીડિયા પર ભાજપના આ 'સાવરણા નાટક' પર ફિટકાર વરસાવી રહ્યા છે  


આ પણ વાંચો----     Gujarat Latest News Live : મોદી સરકારના સફળ 12 વર્ષ: ગુજરાતના મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ

  • Follow us on: