મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હળવદના કવાડિયા ગામ નજીક મજૂરો ભરેલી એક મિની ટ્રક (સુપર કેરી) પલટી જતાં 13 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહન પલટી મારી જતાં જ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ હતી.

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, માનસર ગામથી ચુલી ગામે મજૂરી અર્થે જઈ રહેલા શ્રમિકો ભરેલી સુપર કેરી ગાડી કવાડિયા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન માર્ગ પર પલટી ખાઈ ગયું હતું. આ વાહનમાં સવાર 11 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 13 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

સારવાર અને ગંભીર ઈજાગ્રસ્તો

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી રમેશભાઈ, વિનુબેન, આરતીબેન, મંજુબેન અને શાંતાજી સહિત પાંચ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે મોરબી રિફર કરવામાં આવ્યા છે. જ્યારે જીવતીબેન, જયપાલ, વસંતબેન, લાભુબેન, વર્ષાબેન, જાગુબેન, ધુનાબેન અને મનિષાબેન સહિતના અન્ય શ્રમિકોને હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. શ્રમિક પરિવારમાં આ અકસ્માતને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Halvad: ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં માતા-પુત્રને ઈજા