પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાતરવાડા ગામના 26 વર્ષીય અરવિંદજી ઠાકોર નામના યુવાનની અપહરણ બાદ ઢોર માર મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને અરેરાટી વ્યાપી ગઈ છે.


યુવાનનું અપહરણ કરી માર મારીને કરપીણ હત્યા

મૃતક અરવિંદજી ઠાકોર હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા હતા. ગત રોજ જ્યારે તેઓ ફરજ પર હતા, ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને અરવિંદજીને ગાડીમાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા. અપહરણ કર્યા બાદ અજાણ્યા શખ્સોએ તેમને કોઈ અવાવરૂ સ્થળે લઈ જઈ લોખંડના સળિયા કે લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. બાદમાં યુવાનને બેહોશ હાલતમાં રસ્તા પર ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પરિવારની ફરિયાદ અને પોલીસ તપાસ

પરિવારજનોને જાણ થતા તેઓએ તાત્કાલિક અરવિંદજીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાને કારણે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અજાણ્યા ૪ શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Morbi: દારૂ અને વ્યાજખોરીના કેસમાં સંડોવાયેલા આરોપીઓના આલીશાન મકાન પર ફરી વળ્યું બુલડોઝર

  • Follow us on: