સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માઢીયા ફળીમાં પાંચ જણાએ એકસંપ થઈને એક મહિલાના પિતા સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ મંગળવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે માઢીયા ફળીમાં રહેતા મેઘાબેન મિતેષભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.12 જુલાઈના રોજ આજ ફળીમાં રહેતા મહાવીર ઉર્ફે અભી વસંતભાઈ પટેલ, લક્ષ્મીબેન પટેલ, વસંત મોતીભાઈ પટેલ, રોહિત ગુલાબભાઈ પટેલ અને ડિંપલબેન મયુરભાઈ પટેલે એકસંપ થઈ આવી મારક હથિયારો ધારણ કરી મિતેષને કહ્યું હતું કે, તેને બે વાર ફોન કર્યા બાદ પણ તુ મને મળવા કેમ આવ્યો નથી તેવું મહાવીર પટેલે કહયું હતું. ત્યારબાદ આ પાંચેય જણાએ મેઘાબેનના ઘરે આવી તેમના પિતા સાથે ગેરવર્તન કર્યું હતું અને પંચથી મુઢ માર માર્યો હતો જેથી વચ્ચે પડેલા મિતેષ અને મેઘાબેનને પણ પાવડીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી ત્યારબાદ અરવિંદ જેશંગભાઈ પટેલને પણ લાકડીથી ઈજા પહોંચાડી હતી તથા રમિલાબેનને પણ ધારીયાથી છાતીમાં અને ગળુ દબાવી ધમકી આપી હતી કે આજે તો તમે બધા બચી ગયા છો, પરંતુ બીજીવાર મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં મેઘાબેને પાંચેય વિરૂધ્ધ મંગળવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
