સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ તાલુકા એવા પોશીનાની તાલુકા પંચાયતની ટેબડા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના મહિલા ઉમેદવાર અનિતાબેન રાઠોડ 77 મતોના માર્જિનથી વિજયી બનતાં કેસરીયા છાવણી ગેલમાં આવી ગઈ છે. ગતરોજ સવારે પોશીના મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના અનિતાબેન વિક્રમભાઈ રાઠોડને 1130 મત મળ્યા હતા. જ્યારે કોંગ્ર્રેસના બબીબેન શ્રાવણભાઈ પરમારને 621 મત અને આમ આદમી પાર્ટીના શિલ્પાબેન શંકરભાઈ પરમારને 1053 મત મળ્યા હતા તેમજ 35 મત નોટામાં પડયા હતા. આ બેઠક માટે ગત તા.29મી જુલાઈ બુધવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 3492 મતદારોમાંથી 2839 મતદારોએ મતદાન કરતા 81 ટકા મતદાન નોંધાયું હતું. પોશીના તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 20 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 09, બીએપીને 01, કોંગ્રેસને 06 અને ભાજપને 04 બેઠકો મળી હતી, જેના કારણે અત્યારે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે. દરમિયાન ટેબડા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતી જતાં ભાજપના કાર્યકરોમાં ખુશહાલી વ્યાપી થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો