સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરાથી ઇડર અને વિજાપુર બાયપાસ રોડ પર ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થયાને કારણે પાણી ભરાઈ જતું હતું. જેથી વાહનચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. દરમિયાન તંત્ર દ્વારા બાયપાસ રોડ પર આવેલ હાથમતી નદી પરના આ બ્રિજ પર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવ્યો છે. આ ઓવરબ્રિજ જે રેલવે ગરનાળા પાસે આવેલો છે, ત્યાં મોતીપુરા અને આરટીઓ તરફથી આવતું પાણી ભરાઈ જતું હતું.

પાણીના નિકાલના અભાવે આખો ઓવરબ્રિજ સ્વિમિંગ પૂલ જેવો બની જતો હતો. દરમિયાન તાજેતરમાં પડેલા વરસાદે કારણે બ્રિજ પર ઢીચણ સમા પાણી ભરાઈ ગયાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે પાણીના યોગ્ય નિકાલ માટે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. ધારાસભ્યની સૂચના બાદ ઓવરબ્રિજના બંને તરફના રોડ પર, ખાસ કરીને આરટીઓથી મોતીપુરા અને મોતીપુરાથી આરટીઓ જવાના માર્ગ પર, પેરાફીટમાં પાંચ જગ્યાએ હોલ પાડીને 20 પાઈપો ફીટ કરાઈ છે. જેના લીધે બ્રિજ પર ભરાઈ રહેતાં પાણીનો નિકાલ ઝડપથી થઈ જશે. જોકે હાલ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.