વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અભાપુર પાસેની શાણેશ્વર ચેક પોસ્ટ પાસેથી બુધવારે પાસ પરમીટ વિના કારમાં અંદાજે રૂ.19 હજારથી વધુની કિંમતનો ગેરકાયદે દારૂ ભરીને જતાં બેને દબોચી લીધા હતા.
આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહાવીરસિંહ પ્રભાતસિંહએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.5 ઓગસ્ટના રોજ બપોરના સુમારે શાણેશ્વર ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલ કાર શંકાસ્પદ જણાતાં તેને ઉભી રાખી હતી. ત્યારબાદ અંદર તપાસ કરતાં કારમાંથી રૂ.19,464ની કિંમતની પાસ પરમીટ વિનાની 48 બોટલ મળી હતી જે અંગે કારમાં જઈ રહેલ ગાંધીનગરના કોલવડાના દિપક અરવિંદભાઈ પટેલ અને ગાંધીનગરના સેકટર-રપમાં આવેલ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા નિલેશ રામજીભાઈ સિંધવની પુછપરછ કરી જરૂરી દસ્તાવેજો રજુ કરવા કહ્યુ હતું પરંતુ આ બંને જણાએ કોઈ આધારપુરાવા રજુ ન કરતાં પોલીસે 48 બોટલ દારૂ, રૂ.3 લાખની કાર અને રૂ.10 હજારના બે મોબાઈલ મળી અંદાજે રૂ.3.29 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.
