સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાક તત્વો બિનઅધિકૃત નાર્કોટીક્સ પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે રાજયના નાયબ મુખ્યમંત્રી અને પોલીસ તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં પકડાયેલા બિનઅધિકૃત જથ્થાનો નાશ કરવાનો આદેશ કરાયા બાદ સાબરકાંઠામાંથી અત્યારસુધી પકડાયેલા અંદાજે રૂ.1,71,88,260ની કિંમતના 1311 કિલો જથ્થો ભરૂચની એક કંપનીની ભઠ્ઠીમાં લઈ જઈ સળગાવી દઈ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ અને એસઓજીના પીઆઈ એ.એમ.વાળા તથા સ્ટાફના જણાવાયા મુજબ, સાબરકાંઠા જિલ્લામાંથી નાર્કોટીકસની વ્યાખ્યામાં આવતાં કોડેઈન બોટલો તથા અન્ય નશાકારક ચીજવસ્તુઓ જિલ્લાના વિવિધ સ્થળેથી ઝડપી લેવાયા બાદ તેનો નાશ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ મુજબ, તા.20મી જુલાઈ 2026ના રોજ સાબરકાંઠા પોલીસે પકડાયેલો આ જથ્થો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ઈનવાયરો ઈન્ફાસ્ટ્રકચર કંપનીમાં પુરતા બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પકડાયેલા આ જથ્થાને કંપનીના ઈન્સીનરેટર પ્લાન્ટની ચાલુ ભઠ્ઠીમાં સળગાવી દઈ તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. જોકે નાર્કોટીકસની વ્યાખ્યામાં આવતા કેટલીક નશાકારક ચીજવસ્તુઓને ઝડપી લેવા માટે જિલ્લાની પોલીસ અવાર નવાર વિવિધ સ્થળે તપાસ કરીને શંકાસ્પદ જથ્થો ઝડપી લેવા માટેનું અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે.
