હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે કુલ 10,800 લાડુનો પ્રસાદ પીરસાયો
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ગુરૂપૂર્ણિમા નિમિત્તે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ગુરૂવંદના, પૂજા અર્ચના અને કથા સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું હતું. દરમિયાન ગુરૂપૂર્ણિમા નિમિત્તે હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવમાં દર્શન કરવા આવતા ભક્તો માટે લાડુ સહિત અન્ય ખાદ્યચીજો બનાવાઈ હતી. જેમાં ભક્તો માટે અંદાજે 10,800 લાડુના પ્રસાદ 6 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો.
હિંમતનગર સહિત ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, પોશીના, વિજયનગર સહિતના સ્થળે બુધવારે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી ત્યારે હિંમતનગર-ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિરે સમૂહ આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. જેનો અનેક ભક્તોએ ભાગ લીધો હતો. ઉપરાંત હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે દર પૂનમે થતાં નવચંડી હવન અંતર્ગત અષાઢી પૂનમ અને ગુરૂપૂર્ણિમાના દિવસે વિશેષ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો પ્રારંભ અશોકભાઈ ચુનીલાલ મોદીના હસ્તે થયો હતો ત્યારબાદ સાંજે શ્રીફળ હોમ સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. વક્તાપુર નજીક આવેલા સાંઈનાથ મંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે સત્યનારાયણ કથા અને પાવડી પૂજાનું આયોજન કરાયું હતું.
મુકેશકુમાર સિંગ પરિવારના હસ્તે શાસ્ત્રી જીતુભાઈ શુક્લના મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ સંપન્ન થઈ હતી. તેજ પ્રમાણે બેરણાના નિરંજની અખાડા મહાકાલી મંદિરે પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અંતે ગુરૂ પ્રસાદનું વિતરણ કરાયું હતું. તેજ પ્રમાણે રામનગરમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે ત્રીજા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત પૂજા બાદ હવનનો પ્રારંભ થયો હતો. સાંજે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે, ત્યારબાદ ભોજન પ્રસાદનું વિતરણ કરાશે. પાટોત્સવ નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો