સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિંમતનગરમાં આવેલ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે માટીના દિવડા બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત સંસ્થાના 120 માનસિક દિવ્યાંગ બાળકો અને 25 માનસિક દિવ્યાંગ દીકરીઓ મળી 145 બાળકો રહે છે. આ બાળકો જન્મજાત માનસિક રીતે પડકારરૂપ છે. દિવાળીના તહેવાર નિમિત્તે આ 145 બાળકો દ્વારા પોતાના હાથે પ્રેમ અને જુસ્સાથી અંદાજે 50 હજાર માટીના દીવડા બનાવવામાં આવ્યા છે. આ દીવડા ફક્ત માટીના નથી પણ બાળકોની મહેનત, લાગણી અને આત્મવિશ્વાસનું પ્રતિક છે. બાળકોને આ પ્રવૃત્તિથી હાથ-આંખનું સંકલન, રંગ ઓળખ અને રોજગારલક્ષી તાલીમ મળે છે અને હું પણ કંઈક કરી શકું છું તેવો આત્મવિશ્વાસ કેળવાય છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આ દીવડાનું વેચાણ ન નફો ન નુકસાનના ધોરણે કરવામાં આવશે. વેચાણમાંથી મળતી તમામ રકમ આ 145 બાળકોના ભોજન, કપડાં, દવા અને તાલીમ પાછળ જ વાપરવામાં આવશે. હાલમાં હિંમતનગરના નાગરિકો, વેપારીઓ, ફેક્ટરી માલિકો તથા દાતાઓ મોટી સંખ્યામાં આ દીવડાની ખરીદી કરી રહ્યા છે જે કર્મચારીઓ અને ગ્રાહકોને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. દિવાળીએ બજારના ચાઈનીઝ દીવડા કે લાઈટને બદલે દિવ્યાંગ બાળકોના હાથે બનાવેલા માટીના દીવડા ખરીદીને તેમના જીવનમાં નવો પ્રકાશ લાવે તે માટે સંસ્થાના પ્રમુખ નાનુભાઈ પટેલ, ઉપપ્રમુખ જશવંતલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વી.એ.ગોપલાણી, ડૉ.મહેન્દ્રભાઈ સોની અને ડૉ.નટુભાઈ પટેલ, જીતુભાઈ પટેલ દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો