પંડિત દિનદયાળ આવાસ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની વિવિધ પંચાયતો મારફતે જરૂરીયાતમંદોને મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે ત્યારે ઈડર તાલુકાના ઓડા ગામના એક પરિવારની મહિલા પાસેથી ઓડા પંચાયતના મનરેગા વિભાગના મસ્ટર કારકુને રૂ.15 હજારની લાંચ માંગતાં ગોઠવાયેલા છટકામાં માસ્ટર કારકુન લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ઓડા ગામે રહેતા એક પરિવારને દિનદયાળ આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે નાણાંકીય સહાય મંજુર થઈ હતી જે પેટે પરિવારની મહિલાના નામે મકાન સહાયનો રૂ.30 હજારનો પ્રથમ હપ્તો જમા થયા બાદ મનરેગાના કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડયાએ રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ લાભાર્થી લાંચ આપવા માંગતા ન હતા જેથી તેમણે સાબરકાંઠા એસીબીના પીઆઈ એ.ડી.સુથારનો સંપર્ક કરી લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારબાદ શુક્રવારે રમેશચંદ્ર પંડયાને દેશોતર ચાર રસ્તા પાસે આવેલા પાર્લર નજીક બોલાવ્યા હતા જયાં રૂ.15 હજારની લાંચ લેતાં એસીબીના અધિકારીઓએ રમેશચંદ્ર પંડયાને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની વધુ પુછપરછ કરવા માટે નિયમ મુજબ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.