શામળાજીઃ પવિત્ર ગુરુપૂર્ણિમાના પર્વે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આસ્થા અને ભક્તિનો અદ્દભુત માહોલ જોવા મળ્યો હતો. અષાઢ સુદ પૂર્ણિમાના આ પાવન અવસરે 1.5 લાખથી વધુ શ્રાદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના ભવ્ય અને દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ મંદિર પરિસર 'જય શામળિયા' અને 'કૃષ્ણં વંદે જગતગુરુ'ના નાદથી ગુંજી ઉઠયું હતું.ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારની મંગળા આરતીથી જ કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિશેષ દિવસે ભગવાન શામળિયાને સોના, ચાંદી અને હીરા જડિત ઝરીના વાઘા અને વિશેષ આભૂષણોનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, જેનાથી ભગવાનનું સ્વરૂપ અત્યંત આકર્ષક અને અલૌકિક લાગી રહ્યું હતું. ભક્તોએ ભાવપૂર્વક ભગવાનને ગુરુ દક્ષિણા અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.દર્શનની સાથે-સાથે મોટી સંખ્યામાં ભક્તો મંદિરના પ્રસાદરૂપી મગજના લાડુ પણ શ્રાદ્ધાપૂર્વક પોતાના ઘરે લઈ ગયા હતા. માત્ર શામળાજી મંદિર જ નહીં, પરંતુ શામળાજી સ્થિત પ્રખ્યાત ખાખચોક અખાડા ખાતે પણ ગુરુપૂર્ણિમાનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મંડલેશ્વર હરકિશોર મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પણ ભક્તો અને સેવકોની ભારે ભીડ જામી હતી.
