સાબરકાંઠા એલસીબીની સ્પેશિયલ વાહન ડિટેક્શન સ્કવોડે સોમવારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાંથી શકને આધારે એક ઈસમની અટકાયત કરી પુછપરછ કર્યા બાદ તેની પાસેથી અંદાજે રૂ.4.10 લાખના ચોરીના 19 બાઈક કબ્જે લઈ તેની વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. આ અંગે એલસીબીના સ્પેશિયલ વાહન ડિટેકશન સ્કવોડના જણાવાયા મુજબ, સોમવારે ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી અંબિકા માતાજી મંદિર જતા રોડ પર એક ઈસમ શંકાસ્પદ જણાતાં પોલીસે તેની અટકાવી પુછપરછ કરી હતી. દરમિયાન નંબર વગરના બાઈક સાથે પકડાયેલા ઓમપ્રકાશ ઉર્ફે ઓપીયો બધાભાઈ ખેર (રહે.જોગીવાડ, તા.કોટડાછાવણી)ની પુછપરછ કરતાં તેણે તથા સુરેશ પુગથાભાઈ ગમાર, જાલમા નરસાભાઈ ગમાર અને કાનારામ બાબુરામ ગમારે ભેગા મળીને વર્ષ 2024થી અત્યાર સુધીમાં વડાલીમાંથી 04, ઈડરમાંથી 01, બનાસકાંઠાના દાંતામાં 01, હડાદમાંથી 01, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી, રાજસ્થાનના સુમેરૂ, શ્રીનાથજી મંદિર સહિત અન્ય 19 સ્થળેથી યુક્તિ પ્રયુક્તિ વાપરીને સીફત પુર્વક બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ પકડાયેલા ઓમપ્રકાશ ઉર્ફે ઓપીયો બધાભાઈ ખેરને સાથે રાખીને પોલીસે વિવિધ સ્થળે સંતાડેલ અંદાજે રૂ.4.10 લાખના બાઈકો કબ્જે લઈ એલસીબીના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા સહિત અન્ય ત્રણ વિરૂધ્ધ વાહન ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
