હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાંભોઈ(કેશરપુરા) ગામના બસ સ્ટેન્ડ નજીકથી 2 દિવસ અગાઉ ગાંભોઈ પોલીસે બાતમીને આધારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી ત્રણ મહિલાઓ પાસેથી રૂ.32,430ની કિંમતની બિયરની 150 તથા અન્ય છુટક દારૂની બોટલો કબ્જે લઈ પકડાયેલી ત્રણેય મહિલાઓ વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે ગાંભોઈના પી.આઈ એ.આર.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ, ગત તા.11મી જુલાઈના રોજ તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, ગાંભોઈ(કેશરપુરા) બસ સ્ટેન્ડ નજીક ત્રણ મહિલાઓ થેલાઓમાં દારૂ અને બિયરનો જથ્થો લઈ ઉભી રહી છે જે આધારે ગાંભોઈ પોલીસે તરત જ બાતમીવાળા સ્થળે પહોંચી જઈ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા સોનીયાબેન સનીકુમાર ઈન્દ્રેકર, મંગલાબેન દત્તાભાઈ જાદવ અને શશિકલાબેન ગજાનંદ રામચંદ્ર ગાયકવાડની પુછપરછ કરી તેમની પાસેના થેલાની જડતી લીધી હતી. જેમાં આ ત્રણેય મહિલાઓ પાસેના થેલામાંથી 150 બિયરના ટીન અને દારૂની છુટી બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને બિયરની હેરાફેરી કરવા માટે જરૂરી પરમીટની માંગણી કરી હતી પરંતુ આ ત્રણેય મહિલાઓએ કોઈ આધારપુરાવા રજૂ ન કરતાં પોલીસે અંદાજે રૂ.32,430નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય મહિલાઓ વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
