હિંમતનગર, બડોલી : ઇડર-ભિલોડા રોડ પર બડોલી ગામ નજીક સોમવારે વહેલી સવારે રેતી ભરેલું ડમ્પર ચાલકની બેકાળજીને લીધે રોડ પરના ડિવાઈડર પર ચઢી ગયું હતું. આ ડમ્પરનો નં.આરજે.03જીએ.8451નો ચાલક ડમ્પર હંકારીને ભિલોડાથી ઇડર આવી રહ્યો હતો. દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચઢી ગયું હતું. વહેલી સવારનો સમય હોવાથી માર્ર્ગ પર વાહનોની અવરજવર ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે અન્ય વાહનને નુકસાન થયું ન હોતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી. સદનસીબે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી ન હોતી. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ ઇડર-ભિલોડા માર્ર્ગ પર રોજબરોજ અનેક રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે જેથી કયારેક અકસ્માત થવાનું જોખમ વધુ છે. જે અંગે સ્થાનિકોએ સંલગ્ન વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેથી ઇડર મામલતદાર આવા વાહનો પર નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો