સાબરકાંઠા જિલ્લામાં પરંપરાગત ખેતી સાથે હવે ખેડૂતો ઓછા સમયગાળામાં વધુ આવકની સંભાવના ધરાવતા બાગાયતી અને ઔષધીય પાકો તરફ્ વળી રહ્યા છે. ત્યારે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના સુરજપુરા ગામના ખેડૂત પ્રગ્નેશકુમાર ભીખાભાઈ પટેલે પોતાના ખેતરમાં પ્રાયોગિક ધોરણે 2 વિઘામાં ઔષધીય પાક તરીકે ઓળખાતી સફેદ મુસળીનું વાવેતર કરી ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂત પ્રગ્નેશકુમાર પટેલના જણાવ્યા મુજબ, તેમણે પરંપરાગત ખેતીથી અલગ કંઈક નવું કરવાની દિશામાં વિચાર કરી ગત જૂન માસમાં મધ્યપ્રદેશથી સફેદ મુસળીના કંદમૂળની ખરીદી કરી હતી. પ્રતિ કિલો રૂ.450ના ભાવે કંદમૂળ મેળવી બે વિઘા જમીનમાં અંદાજે 400થી 500 કિલો કંદમૂળનું પાળા પદ્ધતિથી બેડ બનાવી વાવેતર કરવામાં આવ્યું હતું. સફેદ મુસળીના વાવેતરમાં પાયાના ખાતર તરીકે એક વિઘા દીઠ આશરે 5 કિલો દિવેલી ખોળ અને 6 કિલો લીંબોળી ખોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાળામાં ખાતર આપ્યા બાદ તેના ઉપર કંદમૂળની રોપણી કરવામાં આવી હતી. ખાસ નોંધનીય બાબત એ છે કે, સમગ્ર પાકના સમયગાળા દરમિયાન અન્ય કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનું ખેડૂતે જણાવ્યું છે. આ ઔષધીય પાકના વાવેતરમાં એક વિઘા દીઠ આશરે રૂ.2 લાખ જેટલો ખર્ચ થયો હોવાનું ખેડૂત જણાવે છે. જૂન માસમાં વાવેતર કરાયેલ આ પાકનો સમયગાળો આશરે સાડા ચાર મહિનાનો હોવાથી ઓક્ટોબર માસમાં પાક તૈયાર થવાની સ્થિતિમાં આવ્યો છે. હવે પાળામાં તૈયાર થયેલા મુસળીના કંદમૂળને જમીનમાંથી બહાર કાઢવામાં આવશે. ખેડૂત પ્રગ્નેશકુમાર પટેલના પ્રાથમિક અંદાજ મુજબ, સફેદ મુસળીના પાકમાં એક વિઘા જમીનમાંથી આશરે 250થી 300 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. જોકે ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવ્યું હોવાથી વાસ્તવિક ઉત્પાદન પાક બહાર કાઢયા બાદ જ સ્પષ્ટ થશે. બે વિઘામાં કરાયેલા આ પ્રયોગથી મળનારી ઊપજના આધારે આગામી વર્ષોમાં આ પાકનું મોટા પાયે વાવેતર કરવું કે નહીં તે અંગે નિર્ણય લઈ શકાશે. સુરજપુરાના ખેડૂત દ્વારા કરવામાં આવેલો આ પ્રાયોગિક પ્રયાસ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પરંપરાગત ખેતીની સાથે ઔષધીય અને વૈકલ્પિક બાગાયતી પાકોની સંભાવનાઓ અંગે નવી દિશા બતાવતો પ્રયોગ બની રહ્યો છે.
