શનિવારથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે જેના ભાગરૂપે 15મા દિવસે ભાદરવી પૂનમનો મેળો ખેડબ્રહ્મા અને અંબાજીમાં ભરાશે. જેથી અનેક પદયાત્રીઓ રથ સાથે અંબાજી પગપાળા જવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હિંમતનગરના આકોદરાથી 60 યુવકોનો સંઘે રથ સાથે શનિવારે અંબાજી જવા પ્રસ્થાન કર્યુ હતું. આ સંઘ ચાર દિવસ બાદ અંબાજી પહોંચી માતાજીના દર્શન કરશે.

જે અંગે આકોદરા ગામના જયેશ પટેલ અને પંકીલ પટેલે જણાવ્યું હતું કે, આકોદરા યુવક મંડળ દ્વારા શનિવારે સવારે 8 વાગ્યે માતાજીના રથ સાથે 60 યુવકોના સંઘનું 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું. આકોદરા યુવક મંડળ દ્વારા 12 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સતત 13મા વર્ષે આ સંઘ નીકળ્યો છે, જેમાં ઘણા યુવકો જોડાયા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદ અને માતાજી પ્રત્યેની શ્રાદ્ધા સાથે આ સંઘ રવિવારે સવારે ખેડબ્રહ્મા અને મંગળવારે સવારે અંબાજી માતાજીના મંદિરના ચાચર ચોકમાં પહોંચી દર્શન અને આરતીનો લાભ લેશે.