હિંમતનગર બી. ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણેક દિવસ અગાઉ એક યુવક દારૂ પીને જાહેરમાં આવીને કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી ઘટતી કાર્યવાહી કરી મુકત કરી દીધો હતો. દરમિયાન આ યુવકનું પોલીસે માર માર્યો હોવાને કારણે મોત થયાના આક્ષેપ સાથેનો પરિવારનો વિડીયો વાયરલ થતાં હિંમતનગરમાં અનેક ચર્ચા શરૂ થઇ છે. આ અંગે બિનસત્તાવાળ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર બી. ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં રહેતો એક યુવાન ત્રણેક દિવસ અગાઉ દારૂ પીને સિવિલ સર્કલ નજીક આવીને કેટલાક વાહનોમાં તોડફોડ કરી હોવાની વિગતો પોલીસને મળી હતી. ત્યારબાદ જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે આ યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવી ઘટતી કાર્યવાહી કરાયા બાદ તેને મુકત કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન આ પરિવારેે યુવાન માટે રાખેલી બાધામાનતા પૂર્ણ કરવા તેઓ મહેસાણા જિલ્લાના એક સ્થાનકે ગયા હતા. જયાં આ યુવાનનું મોત નિપજયું હોવાની વિગતો સાંપડી હતી. તો બીજી તરફ મંગળવારે આ પરિવારે પોલીસે યુવકને માર માર્યો હોવાના કારણે મોત થયાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતાં હિંમતનગરમાં અનેક ચર્ચા શરૂ થઇ છે. જે અંગે બી. ડિવીઝન પોલીસ સ્ટેશનના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી. જેથી પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે આગામી સમયમાં તપાસ થયા બાદ સાચી વિગતો બહાર આવે તેવી શકયતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો