સમગ્ર સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ઈડર તાલુકાના મુડેટી ગામની યુવા સમિતિના ચાર યુવાનો શનિવારે હરિદ્વારથી 21 લીટર પવિત્ર ગંગાજળ લઈને આશરે 1101 કિલોમીટરની પગપાળા કાવડયાત્રા કરીને આગામી તા. 31મી ઓગષ્ટે શ્રાવણ માસના ત્રીજા સોમવારે પોતાના વતન મુડેટી ખાતે પરત ફરવાના નિર્ધાર સાથે નીકળી ગયા છે.
ઈડર તાલુકાના મુડેટી ગામનો ધવલ ચૌધરી (ભોલા) નામનો યુવાન તેના ત્રણ સાથી મિત્રો સાથે હરિદ્વાર ખાતે ગંગા નદીમાંથી વિધિવત ગંગાજળ ભરી પોતાના વતન તરફ કાવડયાત્રાનો પ્રારંભ કર્યો છે. કાવડમાં 21 લીટર પવિત્ર ગંગાજળ અંદાજે 26 કિલો વજન લઈને તે સતત 38 દિવસ સુધી પગપાળા યાત્રા કરશે. શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, શ્રાદ્ધા અને અડગ સંકલ્પનું અનોખું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે જોવા મળી રહ્યું છે. આ સમગ્ર યાત્રા દરમિયાન યુવાનો ભગવાન શિવજીના નામનો જાપ કરતાં અને ધાર્મિક નિયમોનું પાલન કરતાં આગળ વધશે. ત્રણ દિવસ અગાઉ કાવડયાત્રા માટે મુડેટીથી હરીદ્વાર ટ્રેન મારફતે જતાં અગાઉ મુડેટી ગામમાં ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. ગ્રામજનોએ ઢોલ-નગારાના તાલે, હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ વચ્ચે યુવાનોને હરિદ્વાર માટે વિદાય આપી હતી. જેઓ શનિવારે હરીદ્વારથી ગંગાજળ લઈને આશરે 1,101 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને આગામી 31 ઓગસ્ટ સોમવાર એટલે કે શ્રાવણ માસના ત્રીજા સોમવારે મુડેટી ષામે પહોંચશે. ત્યારબાદ ગામના પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર એવા છોટા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા વૈજનાથ મહાદેવ મંદિરે હરિદ્વારથી લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળથી ભવ્ય જલાભિષેક કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી શક્યતા છે. આ કાવડયાત્રાને લઈને માત્ર મુડેટી ગામ જ નહીં પરંતુ સમગ્ર ઈડર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ યાત્રાને શ્રાદ્ધા, સંકલ્પ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક ગણાવી રહ્યા છે. ગ્રામજનો ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યા છે કે મુડેટી ગામના યુવાનની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય અને સમગ્ર વિસ્તાર પર ભગવાન શિવની કૃપા વરસે તેવા આશીર્વાદ આપ્યા હતા.
